
ICC એ 2022 માટે મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. આ ટીમમાં માત્ર એક ભારતીય ખેલાડીએ પોતાની જગ્યા બનાવી છે. ટીમનું નેતૃત્વ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ કરી રહ્યા છે.
આ ટીમમાં એકમાત્ર ભારતીય નામ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું છે. પંતે 2022માં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ક્ષમતા બતાવી હતી. 2022માં ભારતે સાત ટેસ્ટ મેચ રમી અને છ મેચ જીતી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સાત વિકેટે હારવા ઉપરાંત ભારતે દરેક મેચ જીતી હતી અને આમાં ટીમ ઈન્ડિયાનો હીરો હતો રિષભ પંત.
પંતે આ સાત મેચમાં 61.81ની એવરેજથી 680 રન બનાવ્યા હતા. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક પંતનો સ્ટ્રાઈક રેટ હતો પંતે વર્ષ 2022માં 90.90ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. જો તમે સરખામણી કરવા માંગતા હોવ તો પોતાની તૂફાની બેટિંગ માટે પ્રખ્યાત જોની બેયરસ્ટોએ 2022માં 76ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં પંતે પ્રથમ દાવમાં વળતો હુમલો કરતા 111 બોલમાં 146 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ 2022ની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સમાંથી એક હતી. પંતે આ ઇનિંગ એવી પીચ પર રમી હતી જેના પર શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી 20 રન પણ પાર કરી શક્યા ન હતા. જોકે ભારત આ ટેસ્ટ હારી ગયું હતું.
હવે જણાવીએ કે ટેસ્ટ ટીમમાં કોની પસંદગી કરવામાં આવી હતી. ટીમમાં ઉસ્માન ખ્વાજા અને ક્રેગ બ્રેથવેટ ઓપનર છે. માર્નસ લાબુશેન ત્રીજા નંબર પર છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ચોથા નંબર પર સ્થાન મળ્યું છે.
આ પછી ઈંગ્લેન્ડ તરફથી જોની બેરસ્ટો અને બેન સ્ટોક્સની જોડી છે. સ્ટોક્સ ટીમની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે. પંત વિકેટકીપરની ભૂમિકામાં છે. ટીમમાં નાથન લિયોન એકમાત્ર સ્પિનર છે. પેસરો વિશે વાત કરીએ તો, જેમ્સ એન્ડરસન, કાગિસો રબાડા અને પેટ કમિન્સ ટીમને પૂર્ણ કરે છે.
Leave a Reply